
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા તાલુકાના ખેરવા ગામની શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર ખાતે આજ રોજ SSC બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ગામના વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું કુમકુમ, અક્ષત, પુષ્પ અને સાકરથી સ્વાગત કરી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થાય અને તેઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ આ પહેલને સરાહનીય ગણાવી હતી.
ધારાસભ્ય મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે પરીક્ષા જીવનનો મહત્વનો તબક્કો છે, પરંતુ તેને તણાવ વગર આત્મવિશ્વાસ સાથે આપવી જોઈએ. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR