
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત માટે ગૌરવની ક્ષણ સમાન એવા નિર્ણય હેઠળ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની ‘ઈન્ડિયા-બાલ્ટિક્સ પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપ’ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી ગુજરાત સહિત દેશભરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
સંસદીય મૈત્રી જૂથો ભારત અને અન્ય દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે. મયંકભાઈ નાયકની પસંદગીથી હવે ભારત અને બાલ્ટિક્સ દેશો એટલે કે એસ્ટોનિયા, લેતવિયા અને લિથુઆનિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મયંકભાઈ નાયકની આ મહત્વપૂર્ણ નિમણૂકને લઈને રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગેવાનોનું માનવું છે કે તેમના અનુભવ અને સક્રિય નેતૃત્વથી ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ મજબૂતી મળશે.
ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના લોકો માટે આ સમાચાર ગૌરવની લાગણી ઉભી કરનાર બન્યા છે. મયંકભાઈ નાયકની આ નવી જવાબદારી ભારત અને બાલ્ટિક્સ દેશો વચ્ચે સંસદીય સહકાર અને મિત્રતાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR