

મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યમાં ચાલી રહેલા ટીબી નિર્મૂલન અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે માન. ડાયરેક્ટર, STDC ડૉ. મહેશ કાપડિયાએ વડનગર સ્થિત GMERS હોસ્પિટલના ટીબી વોર્ડની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર સુવિધાઓ, દર્દીઓની સારવાર પ્રક્રિયા અને નોંધણી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી.
ડૉ. કાપડિયાએ ટીબીના દર્દીઓને આપવામાં આવતી દવાઓ, પોષણ સહાય, તેમજ દર્દીઓની નિયમિત ફોલોઅપ પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. તેમણે આરોગ્યકર્મીઓ સાથે ચર્ચા કરી ટીબી નિર્મૂલન અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. ખાસ કરીને દર્દીઓની સમયસર ઓળખ, સંપૂર્ણ સારવાર અને જાગૃતિ કાર્યક્રમો પર ભાર મૂકવાની સૂચના આપી હતી.
આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યને ટીબી મુક્ત બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસોને મજબૂત બનાવવાનો હતો. ડૉ. કાપડિયાએ આરોગ્ય વિભાગની કામગીરીની પ્રશંસા કરી અને તમામ આરોગ્યકર્મીઓને સમર્પણભાવથી કામગીરી ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે હોસ્પિટલના તબીબો, આરોગ્ય અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR