
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદ મંડળના રેલ પ્રબંધક વેદ પ્રકાશે વડનગર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ મુસાફર સુવિધાઓ અને ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે રિલે રૂમ, રૂટ રિલે ઇન્ટરલોકિંગ (RRI), માસ્ટર કેબિન, બુકિંગ કાઉન્ટર, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને કેફેટેરિયા સહિતની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે વડનગર સ્ટેશન પર ટ્રેનના કોચમાં પાણી ભરવા માટે કોચ વોટરિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. આ સુવિધા શરૂ થયા બાદ ટ્રેનોમાં વડનગર સ્ટેશન પરથી જ પાણી ભરાઈ શકશે, જેના કારણે મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળશે. ઉપરાંત, સ્ટેશન નજીકના રેલવે ક્રોસિંગને પહોળું કરવાની સ્થાનિક માંગ અંગે પણ સકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપવામાં આવી હતી.
આ સાથે મહેસાણા–વરેઠા વિભાગમાં અંબાજી નવી લાઇન પ્રોજેક્ટ હેઠળ મહત્વપૂર્ણ ટ્રેક અને યાર્ડ સુધારણા કાર્ય પૂર્ણ થયું હોવાનું જણાવાયું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ભવિષ્યમાં આબુરોડ–તારંગા હિલ વચ્ચેની રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે અને મુસાફરોને વધુ સુગમ અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR