
ભાવનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : હોળી-ધુળેટી નિમિત્તે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી આવક પર તાત્કાલિક પ્રતિબંધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તળાજા દ્વારા ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હોળી અને ધુળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને આગામી તા. 27/02/2026 શુક્રવારે સવારના 8:00 વાગ્યાથી યાર્ડમાં ડુંગળી ઉતારવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન જો કોઈ વેપારી અથવા ખેડૂત ડુંગળી ભરેલું વાહન લઈને આવશે તો તેને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ તહેવારો દરમિયાન યાર્ડમાં ભારે આવક, મજૂરોની અછત અને વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોએ અનાવશ્યક વાહનવ્યવહાર અને ખર્ચ ટાળવા માટે સમિતિની સૂચનાનો પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પ્રતિબંધ આગામી તા. 08/03/2026 રવિવારે બપોરે 11:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. તે બાદથી ડુંગળીની આવક ફરી શરૂ કરવામાં આવશે. સમિતિએ ખાસ નોંધ આપી છે કે નિર્ધારિત સમય પહેલાં કોઈપણ રીતે ડુંગળી યાર્ડમાં લાવશો નહીં, જેથી ગેટ પાસે અવરજવર અને ભીડની પરિસ્થિતિ ઊભી ન થાય.ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની પાક વ્યવસ્થા અને વાહન વ્યવહારનું આયોજન જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર કરે. સમિતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખેડૂતો સહકાર આપશે અને યાર્ડની સુવ્યવસ્થિત કામગીરીમાં સહભાગી બનશે. તહેવારો બાદ નિયમિત રીતે હરાજી પ્રક્રિયા ફરી શરૂ થશે અને ખેડૂતોને યથાવત ભાવ અને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT