
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામના યુવા પશુપાલક પટેલ પ્રવીણકુમાર ભાવાભાઈ દેશી કાંકરેજી ગાયના પશુપાલન દ્વારા સારી આવક મેળવી અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા 4 વર્ષથી તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન શરૂ કરી તેને સફળ વ્યવસાયમાં ફેરવ્યો છે અને વર્ષે અંદાજે ₹1.5 લાખથી વધુ નફાકારક આવક મેળવી રહ્યા છે.પ્રવીણભાઈ હાલમાં કુલ 60 પશુઓનું સંચાલન કરે છે, જેમાંથી 20 દૂધાળા પશુઓ છે. આ પશુઓમાંથી રોજનું અંદાજે 60 લીટર દૂધ ઉત્પાદન થાય છે. તેઓ ખાસ કરીને શિયાળામાં દૂધમાંથી દેશી ઘી બનાવી ₹2000 થી ₹2500 પ્રતિ લીટર ભાવે વેચાણ કરે છે. ગયા શિયાળામાં તેમણે 80 થી 100 લીટર ઘી વેચીને આશરે ₹1.5 લાખ જેટલી આવક મેળવી હતી.આ ઉપરાંત તેઓ પશુઓના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ પ્રાકૃતિક ખાતર અને જીવામૃત બનાવવા માટે કરે છે, જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે. વર્ષ 2024-25માં તેમને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે ₹10000ના ઇનામ સાથે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તેમની સફળતા અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR