

પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : હોળી-ધૂળેટીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિદ્ધપુરમાં ખાસ પ્રકારના હાયડા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા છે. બદલાતી ઋતુને ધ્યાનમાં રાખીને નાના બાળકોના સ્વાસ્થ્ય માટે આ હાયડા બનાવવામાં આવ્યા છે. સૂંઠ, ગંઠોડા, એલચી અને પ્રોટીન પાવડરના મિશ્રણથી બનેલા આ હાયડા કફ, ખાંસી અને શરદીમાં રાહત આપતા હોવાથી ગ્રાહકોમાં ખાસ આકર્ષણ પામ્યા છે.
ઝંપલીપોલ ટાવર રોડ પર આવેલ રાજ સિંગ સેન્ટરના રમેશભાઈ સિંધી દ્વારા પરંપરાગત હાયડામાં નવીનતા લાવી તેને વધુ આરોગ્યપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ હાયડામાં બદામ, કાજુ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજારમાં હાલ હાયડાના ભાવ 30 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી જોવા મળે છે.
સિદ્ધપુર વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર હોવાથી તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટે છે. હોળી-ધૂળેટીના પર્વ પર ખજૂર, ધાણી, હાયડા, કોપરાની કાચલી અને ગોળનું મોટાપાયે વેચાણ થાય છે. સમય જતાં હાયડા બનાવવાનું પ્રમાણ ઘટ્યું છે અને હાલમાં શહેરમાં માત્ર 2 થી 3 સ્થળોએ જ હાયડા તૈયાર થાય છે.
સામાજિક અને ધાર્મિક રીતે હોળીના પર્વમાં હાયડાનું વિશેષ મહત્વ છે. પરિવારમાં પ્રથમ સંતાનનો જન્મ થયો હોય અથવા લગ્ન પછીની પ્રથમ હોળી હોય ત્યારે વહેવારરૂપે હાયડા આપવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. અગાઉ બજારોમાં હાયડાના હાર લટકતા જોવા મળતા હતા, જેનું પ્રમાણ હવે ઓછું થયું છે, છતાં કેટલાક ઉત્સાહી વેપારીઓ નવીનતા દ્વારા આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ