
ગીર સોમનાથ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરદાસભાઈ નંદાણીયા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં તમાકુની બનાવટની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવી અને તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ ની કડક અમલવારી કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
વેરાવળ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને તમાકુમુક્ત બનાવવાની દિશામાં અવિરત પ્રયાસો હાથ ધરી શિક્ષકો સાથે બાળકોને સ્વાસ્થ્ય વિષયક ભવિષ્યમાં આવનાર સંભવિત મહામારીઓથી બચાવવા મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અલગ-અલગ શાળાઓમાં ડ્રાઇવ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત તમાકુનું સેવન કરતા દસ જેટલા શિક્ષકો પાસેથી રૂ.૨૦૦ લેખે કુલ રૂ.૨૦૦૦નો દંડ વસૂલાયો હતો અને વ્યસનથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ ઝૂંબેશ અન્વયે અન્વયે પે.સે. શાળાનાં આચાર્યો સાથે શિક્ષક સંઘનાં પ્રતિનિધિ અનિલ પંપાણીયા, દીનેશ મઘા, દિલીપ વાળાની હાજરીમાં એક બેઠક યોજી અને રૂપરેખા ઘડવામાં આવી હતી. પે.સે. શાળાનાં આચાર્ય તેમજ સી.આર.સી, સી.ઓ ને શાળાઓની મુલાકાત લઈ શિક્ષકોને તાકીદ કરી અને તંબાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ની અમલવારી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ