

પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ શહેરની સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ફરિયાદો ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી મેસ સંચાલકો દ્વારા બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપો થયા છે. શાકભાજી, દાળ, ભાત અને રોટલી યોગ્ય રીતે રાંધેલા ન હોવા ઉપરાંત ભોજન કાચું અને અધકચરું આપવામાં આવતું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો, ઊલ્ટી અને પાચન સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
વિદ્યાર્થીઓના કહેવા મુજબ, આ મુદ્દે અગાઉ અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હોસ્ટેલ પ્રશાસન દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નહોતી. રોટલી કાચી હોવી, શાક પાણી જેવું હોવું અને સવારની ચામાં વધુ પાણી હોવાની ફરિયાદો સામે આવી છે. આ પરિસ્થિતિને પગલે વિદ્યાર્થીઓએ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. રાત્રે NSUIની ટીમ તેમજ સંબંધિત અધિકારીઓ હોસ્ટેલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ મામલે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકે વિદ્યાર્થીઓને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સંચાલક એજન્સીને નોટિસ આપવાની તથા ભોજનની ગુણવત્તામાં સુધારો લાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. ખાતરી મળ્યા બાદ હાલ મામલો શાંત થયો છે, પરંતુ સુધારો ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ