
જુનાગઢ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : સ્થાનિક ઉત્પાદનો, કારીગરો અને સ્વ-સહાય જૂથો (સખીમંડળ)ની બહેનોને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે રાજ્ય સરકારના સહયોગથી કેશોદ નગરપાલિકા દ્વારા દસ દિવસીય ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો વિધિવત પ્રારંભ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયાએ કરાવ્યો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી’ની નેમને સાર્થક કરતા આ મેળામાં અંદાજે ૫૦ જેટલા સ્ટોલ સ્વ-સહાય જૂથોની બહેનો અને સ્થાનિક કારીગરોને નિઃશુલ્ક ફાળવવામાં આવ્યા છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓ, ઘરગથ્થુ સામાન, આધુનિક તેમજ પરંપરાગત કપડાં અને શુદ્ધ ખાદ્ય પદાર્થો જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેની કેશોદના નાગરિકો સવારના ૧૦ કલાકે થી સાંજના ૧૦ કલાક સુધી ખરીદી કરી શકશે.
આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દસ દિવસ સુધી ચાલનારા આ સ્વદેશી મેળાના માધ્યમથી સ્થાનિક ઉત્પાદકો અને સખીમંડળોને સીધું બજાર મળી રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના તમામ નાગરિકોને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા ખાસ અપીલ કરી હતી.
મેળામાં સ્ટોલ ધારક શારદાબેન રાખોલીયાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણની નેમ સાર્થક થઈ છે. જે બહેનો અત્યાર સુધી ઘરબેઠા નાના પાયે વ્યવસાય કરતા હતા, તેમને આ મેળાના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચવા માટે એક નવું પ્લેટફોર્મ મળ્યું છે. આનાથી તેમની આવકમાં વધારો થશે અને વ્યવસાયને નવો વેગ મળશે, જે અંતે તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ સાબિત થશે. રાજ્ય સરકાર અને નગરપાલિકાનો આ પ્રયાસ સ્થાનિક કારીગરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ