
ભાવનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર નજીક આવેલ અધેવાડા ગામમાં અવાવરું જગ્યામાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર ગામની સીમમાં બાવળની કાટ પાસે કેટલાક સ્થાનિક લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને એક વ્યક્તિ નિષ્ક્રિય હાલતમાં પડેલો દેખાયો હતો. નજીક જઈ તપાસ કરતાં યુવકનું મૃત્યુ થયેલું હોવાનો અંદાજ આવ્યો હતો.આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા સંબંધિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળનો પંચનામો કરી મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ મથુરભાઈ પરમાર (રહે. અધેવાડા) તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોને બનાવ અંગે જાણ કરવામાં આવતા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટનાને લઈને ગામમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. મૃત્યુ કુદરતી છે કે પછી કોઈ અન્ય કારણસર થયું છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ તેમજ જરૂરી માહિતી એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ બનાવને લઈને સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT