
બોટાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલા “પોષણ ભી પઢાઈ ભી” અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ નાનાં બાળકોમાં પોષણ સાથે સાથે પ્રાથમિક શિક્ષણ પ્રત્યે રુચિ વિકસાવવાનો છે.
તાલીમ દરમિયાન કાર્યકર બહેનોને બાળકોને રમતાં રમતાં શીખવવાની પદ્ધતિ, વાર્તા-ગીતો દ્વારા શિક્ષણ, આહારની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું.જિલ્લા સ્તરના અધિકારીઓ અને નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા કાર્યકર બહેનોને પ્રાથમિક બાળ સંભાળ અને વિકાસ વિષયક વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે સાથે આંગણવાડી કેન્દ્રોમાં શૈક્ષણિક વાતાવરણ કેવી રીતે ઊભું કરવું અને બાળકોમાં સર્જનાત્મકતા કેવી રીતે વિકસાવવી તે બાબતે માર્ગદર્શન અપાયું.કાર્યક્રમમાં હાજર રહેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે “પોષણ ભી પઢાઈ ભી” અભિયાનથી બાળકોના સર્વાંગી વિકાસમાં વધારો થશે.
પોષણ અને શિક્ષણ બંને સાથે જોડાતા બાળકોનો શારીરિક તેમજ બૌદ્ધિક વિકાસ મજબૂત બનશે.આ તાલીમથી બોટાદ જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે. આવનારા સમયમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને વધુ ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT