
- કોંગ્રેસ અને આપ ના 1000 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા
- આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાની બે બાજુ છે : હર્ષ સંઘવી- નરેન્દ્ર મોદીના શાસનકાળમાં આદિવાસી વિસ્તારના છેવાડાના ગામોમાં શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ અસરકારકતા સાથે પંહોંચી
ડેડીયાપાડા/ગાંધીનગર,26 ફેબ્રુઆરી (હિ.સ.) આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતાં.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ ડૉ.પ્રશાંત કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા, રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિત સ્થાનિક ભાજપા આગેવાનઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન બિરસા મુંડાને વંદન કરી વિશાળ આદિવાસી સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની અતૂટ દેશભક્તિ ખરેખર વંદનીય છે. આજની 25 વર્ષની યુવા પેઢીએ તો માત્ર ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદીનો ‘સુવર્ણયુગ’ જ જોયો છે, તેમને અગાઉના અન્યાયનો અંદાજ નથી. વડીલો સાક્ષી છે કે કોંગ્રેસના શાસનમાં રસ્તાઓ પર ખાડા નહીં પણ ખાડાઓમાં રસ્તા શોધવા પડતા હતા. આદિવાસી વિસ્તારોમાં રોડ-રસ્તા કે વીજળી પહોંચાડવાની કોઈ દાનત જ નહોતી.
કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે આદિવાસી, દલિત અને ખેડૂતોની વાતો કરીને મતો લૂંટતી હતી, જ્યારે નરેન્દ્ર મોદીના શાસનમાં આવ્યા પછી જ આદિવાસી વિસ્તારના છેવાડાના ગામોમાં શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ પહોંચી છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાની બે બાજુ છે.
આદિવાસી વિસ્તારોનો સાચો વિકાસ મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના ‘સુવર્ણયુગ’માં જ શક્ય બન્યો છે.
તેઓએ અન્ય પક્ષના નેતાઓને ટકોર કરી કહ્યું કે, નેતાઓએ સમાજના ભાગલા પાડવાને બદલે સમાજને મુખ્યધારામાં જોડવાનો પ્રયાસ કરવો જોઈએ. સોશિયલ મીડિયા અને મીડિયામાં આરોપ-પ્રત્યારોપ અને ભાડકાવવાનો પ્રયાસ કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાથી કદાચ પ્રસિદ્ધિ મળી શકે, પરંતુ તે માત્ર આદિવાસી સમાજને વોટબેંક સમજી કરવામાં આવતો દુસ્પ્રયાસ છે, આદિવાસી સમાજ કોઈને છોડશે નહીં.
રાજ્ય સરકારના બજેટ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આ વર્ષે બજેટમાં આદિવાસી અને વંચિતો માટે અનેક નૂતન આયામો ખોલ્યા છે. હવે આદિવાસી વિસ્તારોમાં નવા ટાવરો ઉભા કરવામાં આવશે, જેથી નાનકડા ગામડાઓમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે.
ભાગલાવાદી અને તુષ્ટિકરણની રાજનીતિ છોડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલી વિકાસની રાજનીતિથી પ્રેરાઈને કોંગ્રેસ અને આપના 1000 થી વધુ કાર્યકર્તા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ’ના પૂર્વ ઉમેદવાર ડૉ.પ્રફુલ વસાવા, એડવોકેટ રાજ વસાવા, કોંગ્રેસના આગેવાન અનવર વસાવા અને શ્યામસિંહ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરોનું ભાજપાનો કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આગામી સમયમાં ડબલ એન્જિનની સરકારના નેતૃત્વમાં આદિવાસી સમાજ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા અને રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આદિવાસી ગૌરવ અભિવાદ સમારોહ પૂર્વે આયોજિત ભવ્ય રેલીના સમગ્ર રૂટમાં અનન્ય ઉત્સાહ સાથે આદિવાસી નાગરિકો ઉમટી પડ્યા હતાં. વિશાળ સંખ્યામાં નાગરિકોને રેલી માં જોડાઈને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત-અભિવાદન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ