
બોટાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામ નજીક બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કેરાળા ગામ નજીક માર્ગ પર બંને બાઈકો સામસામે આવી જતા જોરદાર ટક્કર સર્જાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બંને બાઈક ચાલકો રસ્તા પર પટકાઈ ગયા અને તેમને ઈજાઓ પહોંચી હતી.અકસ્મતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બનાવ અંગે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એક બાઈક ચાલક રામપરા ગામનો રહેવાસી છે જ્યારે બીજો મોટા સખપર ગામનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે વધુ વિગતો મળવાની બાકી છે.
અકસ્માંત કેવી રીતે સર્જાયો તે અંગે ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ બેદરકારી અથવા ઝડપ અકસ્માતનું કારણ બની હોઈ શકે છે. બનાવની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અકસ્માતને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિકોએ વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT