

મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં શેઠ એમ. આર. એસ. હાઈસ્કૂલ અને શ્રી એમ. એચ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર, શ્રી ઊંઝા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ તેમજ ઈનર વ્હીલ ક્લબ, ઊંઝાની બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા જ ઈનર વ્હીલ ક્લબની બહેનોએ કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું અને પેન ભેટરૂપે આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ અનોખા આવકારથી વિદ્યાર્થીઓમાં આનંદ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો.
શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ભયમુક્ત અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ મહેનત અને એકાગ્રતા સાથે પરીક્ષા આપી ઉજ્જવળ પરિણામ મેળવવા માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આ પ્રયત્નથી વિદ્યાર્થીઓને હકારાત્મક ઉર્જા મળી હતી અને તેઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR