ફાગ નૃત્ય એટલે ગાંધીનગરના વસંતોત્સવમાં હરિયાણાનો રંગીન મિજાજ
- હરિયાણાનું ફાગ નૃત્ય,કૃષિ સંસ્કૃતિ અને હોળીના ઉમંગનો સંગમ ગાંધીનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : વસંતના વધામણાં અને હોળીના હરખ વચ્ચે જ્યારે હરિયાણાની સંસ્કૃતિની વાત આવે, ત્યારે ''ફાગ નૃત્ય'' નજર સમક્ષ તરત જ તરી આવે છે. હરિયાણાના કૃષિ પ્રધાન જીવન અને
વસંતોત્સવ


- હરિયાણાનું ફાગ નૃત્ય,કૃષિ સંસ્કૃતિ અને હોળીના ઉમંગનો સંગમ

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : વસંતના વધામણાં અને હોળીના હરખ વચ્ચે જ્યારે હરિયાણાની સંસ્કૃતિની વાત આવે, ત્યારે 'ફાગ નૃત્ય' નજર સમક્ષ તરત જ તરી આવે છે. હરિયાણાના કૃષિ પ્રધાન જીવન અને ઉત્સાહને દર્શાવતું આ નૃત્ય વસંતોત્સવમાં રંગ જમાવી રહ્યું છે.

જ્યારે ખેતરોમાં સરસવના પીળા ફૂલો લહેરાતા હોય અને શિયાળાની વિદાય થતી હોય, ત્યારે હરિયાણાના ગામડાઓમાં 'ફાગ'ના સૂર રેલાવા લાગે છે. ફાગ નૃત્ય એ માત્ર મનોરંજન નથી, પણ લણણીની ખુશી અને પ્રકૃતિના પરિવર્તનને વધાવવાનો એક સામૂહિક ઉત્સવ છે.

ફાગ નૃત્ય મુખ્યત્વે ધમાલ શૈલીનું નૃત્ય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન ઉત્સાહથી ભાગ લે છે,

જેમાં પુરુષો પરંપરાગત ધોતી અને રંગીન પાઘડી પહેરીને નગારા, ઢોલ અને મંજીરાના તાલે નૃત્ય કરે છે.જ્યારે સ્ત્રીઓ હરિયાણવી ઘાઘરા, કુર્તી અને ઓઢણીમાં સજ્જ થઈને લોકગીતો ગાય છે.

આ નૃત્યમાં ઘણીવાર સ્ત્રી અને પુરુષો વચ્ચે ગીતો દ્વારા મીઠો સંવાદ કે નખરાં પણ જોવા મળે છે, જે હોળીના તહેવારની મસ્તી દર્શાવે છે.

નગારાના ગુંજારવ વગર ફાગ અધૂરું છે. તેની સાથે ખંજરી અને બાંસુરીનો સૂર વાતાવરણને જીવંત બનાવે છે.

આ નૃત્ય કોઈ એકલ વ્યક્તિનું પ્રદર્શન નથી, પરંતુ આખા ગામની એકતાનું પ્રતીક છે. કલાકારો એક ગોળ કુંડાળામાં રહીને એકબીજાના તાલ સાથે કદમ મિલાવે છે. નૃત્ય દરમિયાન ગુલાલ અને રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, જે વસંતોત્સવની રોનક વધારે છે.આ નૃત્ય દ્વારા, પતિ-પત્ની વચ્ચેની મીઠી મસ્તી, તેમના પ્રશ્નો અને જવાબો અને તેમના પ્રેમભર્યા આદાન-પ્રદાનનું આ લોકનૃત્યમાં ચિત્રણ કરવામાં આવે છે.

હરિયાણાના કલાકારો જ્યારે આ નૃત્ય રજૂ કરે છે, ત્યારે તેમાં તેમની ખુમારી અને ખમીર દેખાય છે. તે ફાગણ મહિનાના આગમન અને હોળીના પર્વ નિમિત્તે કરવામાં આવતી એક વિધિ સમાન છે. આ નૃત્ય દ્વારા ખેડૂત પોતાની મહેનતનું ફળ એટલે કે ખેતરના પાક આવવાની ખુશી પ્રભુ સમક્ષ વ્યક્ત કરે છે. હરિયાણાનું ફાગ નૃત્ય આજે માત્ર ગામડાઓ સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ રાષ્ટ્રીય કક્ષાના સાંસ્કૃતિક ઉત્સવોમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે.

લોકવાયકા મુજબ, આ નૃત્ય ભગવાન કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાનું એક પ્રાદેશિક અને ઉર્જાવાન સ્વરૂપ માનવામાં આવે છે. મથુરા-વૃંદાવનની સરહદ હરિયાણાને અડે છે, તેથી ત્યાંની 'લઠ્ઠમાર હોળી'ની ઝલક પણ આ નૃત્યમાં ક્યાંક જોવા મળે છે.

ફાગણ આયા રંગ ભરી રે, હોળી ખેલેં બીરબલી...એટલે કે ફાગણ મહિનો રંગો લઈને આવ્યો છે, અને ચાલો આપણે બધા મળીને હોળી રમીએ.જેવા ગીતો સાથે આ નૃત્ય રંગ જમાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande