
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : વિસનગર શહેરના જી.ડી. રોડ પર આવેલ નગરપાલિકા સંચાલિત જી.ડી. કોમ્પ્લેક્સમાં ગેલેરીનો એક ભાગ અચાનક તૂટી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના સવારે બની હતી, ત્યારે બજારમાં લોકોની અવરજવર ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કોમ્પ્લેક્સના ઉપરના માળની ગેલેરીનો ભાગ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડ્યો હતો. આ ઘટનાથી આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી હતી. જાણ થતા જ પાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જોખમી ભાગને સુરક્ષિત રીતે દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સનો કેટલાક ભાગ જૂનો અને જર્જરિત હાલતમાં છે, જેના કારણે આવી ઘટનાઓ બનવાની શક્યતા રહે છે. તેઓએ સમયસર સમારકામ કરવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે નગરપાલિકાના જૂના કોમ્પ્લેક્સોની સુરક્ષા અને જાળવણી અંગે ફરી સવાલો ઉભા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR