સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા કોસાડ આવાસમાં વિજ બિલના બાકી લેણાંના કેસો અંગે મોબાઈલ લોકઅદાલત યોજાશે
DGVCLના કેસોના નિકાલ કરવા કોર્ટ પક્ષકારોના ઘરઆંગણે જશે. સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા યોજાનારી આગામી લોકઅદાલતના ભાગરૂપે 27 ફેબ્રુઆરી, 2026ના રોજ કોસાડ આવાસ વિસ્તારમાં મોબાઈલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકઅદાલતમ
સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા કોસાડ આવાસમાં વિજ બિલના બાકી લેણાંના કેસો અંગે મોબાઈલ લોકઅદાલત યોજાશે


DGVCLના કેસોના નિકાલ કરવા કોર્ટ પક્ષકારોના ઘરઆંગણે જશે.

સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા યોજાનારી આગામી લોકઅદાલતના ભાગરૂપે 27 ફેબ્રુઆરી, 2026ના રોજ કોસાડ આવાસ વિસ્તારમાં મોબાઈલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકઅદાલતમાં દક્ષિણ ગુજરાત વિજ કંપની (DGVCL) અને સુરત મહાનગરપાલિકા સંબંધિત વિજ બિલના બાકી લેણાંના નાની રકમના પેન્ડિંગ કેસોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે. જિલ્લા યુનિટ જજ એ.એસ. સુપૈયાની પ્રેરણાથી અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ રાહુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ પ્રિ-કન્સીલિએશન મોબાઈલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોકઅદાલતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ ડી.આર. જોષી, અનુભવી મિડીએટર જોબનપુત્રા, લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલની ટીમ, કોર્ટ સ્ટાફ તેમજ DGVCL અને મનપાના અધિકારીઓ હાજર રહેશે. પક્ષકારોને કોર્ટમાં હાજર થવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હવે કોર્ટ પક્ષકારોના ઘરઆંગણે પહોંચી તેમના કેસોનો નિકાલ કરશે. આ પહેલથી સમયસર અને સરળતાથી કેસોનો ઉકેલ શક્ય બનશે.

આ લોકઅદાલતમાં DGVCL સાથેના બાકી લેણાંના કેસોમાં પક્ષકારોને વ્યાજ અને પેનલ્ટીમાં રાહત મળશે. સાથે જ બાકી રકમ સરળ હપ્તાઓમાં ચૂકવવાની સુવિધા પણ આપવામાં આવશે. પક્ષકારોને અગાઉથી નોટિસો પાઠવી દેવામાં આવી છે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા તમામ લાભાર્થીઓને આ મોબાઈલ લોકઅદાલતનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં મોબાઈલ લોકઅદાલત શરૂ કરવાની પહેલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી, જેને અગાઉ સારી સફળતા મળી હતી અને સ્થળ ઉપર જ અનેક કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande