
અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદના નગરદેવી ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી, માતાજીની યાત્રા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં. નગરદેવી ભદ્રકાળી માતાજીની 26 ફેબ્રુઆરીના રોજ સાવારે ભવ્ય નગરયાત્રા નીકળી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો.
26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યાં,
યાત્રાના રૂટ પરના અનેક રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે અને વાહન વ્યવહાર સુચારુ ચાલુ રાખવા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે.
નગરયાત્રાને લઈ સવારના 7 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમો લાગુ રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે BSNની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
નગરયાત્રા ધીમે ધીમે ગાંધી રોડથી ખાડિયા તરફ આગળ વધી રહી છે. અખાડા અને ઢોલ નગારા ગાંધી રોડ પહોંચ્યા છે.
માણેકચોકમાં માતાજીનું ભવ્ય સ્વાગત કરી અને આરતી ઉતારાઈ. માણેકચોક ખાતે ગુરુ માણેકનાથ પરિવારના વંશજો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે અને માણેકચોક ખાતે યાત્રા પહોંચતા માતાજીનું ભવ્ય સ્વાગત કરી અને આરતી ઉતારવામાં આવી હતી.
મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, અમને સવારે હર્ષ સંઘવી નથી આવવાના તેવો મેસેજ આવ્યો હતો, પરંતુ ભાજપના ધારાસભ્યો અને મેયર હાજર હતા જેમણે પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જે જગ્યાએ બોર્ડના સેન્ટર ફાળવવામાં આવ્યા છે. તે જગ્યાએથી યાત્રા નીકળશે ત્યારે ઢોલ નગારા બંધ કરી દેવામાં આવશે. આ વર્ષે રાયપુર અને ખાડિયા એમ ગત વર્ષ કરતા 2 વિસ્તાર વધારવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ