
પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુરમાં એસએસસી બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સિદ્ધપુર નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણમાં આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરિત કરવાનો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, પાટણ જિલ્લા ભાજપ મંત્રી મિહિરભાઈ પાધ્યા અને શહેર ભાજપ મહામંત્રી દશરથભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પાલિકા સદસ્યો તરુણાબેન ભીલ, જે.ડી. પટેલ, ભરતભાઈ મોદી, રાજુજી ઠાકોર અને કમલેશભાઈ પટેલ તેમજ ભાજપના હોદ્દેદારો શૈલેષભાઈ પંચોલી, મહેશભાઈ ઠાકર, ગાયત્રીબેન ઠાકર, કમલેશભાઈ પૂરબીયા અને જયેશભાઈ મોદીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના સિનિયર ટ્રસ્ટી ચતુરભાઈ પટેલ, આચાર્ય અને સ્ટાફની હાજરીમાં પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ, સાકર, ચોકલેટ અને બોલપેન આપી અભિનંદન આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ખુશી અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ