
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : રંગોના ઉત્સવ હોળી અને ધુળેટી દરમિયાન રાજ્યમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત સહાય મળી રહે તે માટે 108-EMS (EMRI-Gujarat) દ્વારા એક સુદ્રઢ અને સકારાત્મક એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તહેવારના ઉત્સાહમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર 'પૂર્વતૈયારી એ જ શ્રેષ્ઠ સારવાર'ના મંત્ર સાથે મેદાનમાં ઉતર્યું છે.
108-EMS દ્વારા અત્યાધુનિક ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને સંભવિત કટોકટીના સમયની આગાહી કરવામાં આવી છે. આ આગોતરા આયોજનનો હેતુ એ છે કે જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં એમ્બ્યુલન્સ અને સ્ટાફ અગાઉથી જ તૈનાત કરી શકાય.ત્વરિત પ્રતિસાદ માટે ધુળેટીના દિવસે વધતા કેસોને પહોંચી વળવા માટે સિસ્ટમને એવી રીતે સજ્જ કરવામાં આવી છે કે દર્દીને 'ગોલ્ડન અવર'માં જ સારવાર મળી રહે.
ખાસ કરીને માર્ગ અકસ્માત અને અન્ય ઈમરજન્સી માટે હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ નેટવર્કને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
108-EMS ના COO જશવંત પ્રજાપતિએ નાગરિકોને આશ્વસ્ત કરતા જણાવ્યું છે કે, હોળી-ધુળેટીના પર્વ દરમિયાન રાજ્યની જનતાની સેવામાં 1,493 એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. અમારો ઉદ્દેશ્ય છે કે તહેવારના રંગમાં કોઈ ભંગ ન પડે અને જો કોઈ તકલીફ ઊભી થાય, તો 108ની ટીમ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચીને જીવનરક્ષક ભૂમિકા ભજવે. રાજ્યના આણંદ, છોટાઉદેપુર, દાહોદ અને ખેડા સહિતના જિલ્લાઓ, જ્યાં તહેવારની ધૂમ વધુ હોય છે, ત્યાં વિશેષ સુપરવાઇઝરી સ્ટાફ અને વધારાની મેડિકલ કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજન દર્શાવે છે કે વહીવટી તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલું ગંભીર અને કાર્યક્ષમ છે.
નાગરિકો માટે સુરક્ષિત તહેવારની માર્ગદર્શિકા માટે તંત્રની સજ્જતાની સાથે સાથે 108 દ્વારા લોકોને જવાબદાર નાગરિક તરીકે વર્તવા અપીલ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવુ જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરી અકસ્માત નિવારીએ.સંયમ અને ઉત્સાહ સાથે ઉજવણી કરીએ જેમાં તહેવારને પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથે ઉજવીએ જેથી અણબનાવો ટાળી શકાય.
કોઈપણ મેડિકલ ઈમરજન્સીમાં ગભરાયા વગર તુરંત '108' ડાયલ કરો. 108-EMS ની આ સજ્જતા એ વાતની પ્રતીતિ કરાવે છે કે ગુજરાતનું આરોગ્ય તંત્ર કોઈપણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. ચાલો, આપણે પણ જવાબદાર બનીને આ હોળી-ધુળેટીને સુરક્ષિત અને યાદગાર બનાવીએ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ