
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ભાવનગર જિલ્લામાં જ વિવિધ યોજનાઓ હેઠળ 6685 લાખના ખર્ચે 4555 કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,એક નવું કૃષિ વીજ જોડાણ આપવા માટે થાંભલા, લાઇન અને ટ્રાન્સફોર્મર, HVDS સિસ્ટમ વગેરે મળીને સરેરાશ 1.73 લાખનો ખર્ચ થાય છે. જેની સામે ખેડૂતોએ માત્ર લોડ પ્રમાણે નજીવો ચાર્જ આપવાનો હોય છે અને બાકીની રકમ રાજ્ય સરકાર સબસિડી પેટે સીધી વીજ કંપનીઓને ચૂકવે છે.
રાજ્ય સરકારની ઉદાર નીતિના ભાગરૂપે, અનુસૂચિત જાતિ વર્ગના અને આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે માત્ર રજીસ્ટ્રેશન, ડિપોઝીટ અને ટેસ્ટ રિપોર્ટ જેવા સામાન્ય ચાર્જ જ ચૂકવવાના રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ