
- રાજ્યની આઠ સરકારી હોસ્પિટલોમાં કોંકલીયર ઈમ્પ્લાન્ટની સારવાર ઉપલબ્ધ
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત વિધાનસભા ખાતે જન્મજાત બહેરાશ ધરાવતા બાળકોની સારવાર અંગે પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું હતું કે કોંકલીયર ઈમ્પ્લાન્ટની સારવાર જન્મજાત બહેરા બાળકો માટે આશીર્વાદરૂપ છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે જન્મજાત બહેરા બાળકો માટે તમામ બહેરાશની તપાસ, લોહીની તપાસ, રેડીયોલોજીકલ તપાસ, બાળકના માનસિક વિકાસ માટેની તપાસ, કોક્લીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન અને દર્દીને બોલવાની પ્રેક્ટીસ (AVT)ની સારવાર ઉપલબ્ધ છે.
મંત્રી પાનસેરીયા એ જણાવ્યું કે, રાજ્યમાં આઠ જેટલી સરકારી હોસ્પિટલોમાં જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો માટે કોંકલીયર ઈમ્પ્લાન્ટની સુવિધા આપવામાં આવે છે. જેમાં સિવિલ હોસ્પિટલ, અસારવા અને જી. એમ. ઈ. આર. એસ., સોલા, અમદાવાદ, સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર, જી.જી. હોસ્પિટલ, જામનગર, પી. ડી. યુ., સિવિલ હોસ્પિટલ, રાજકોટ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત, એસ.એસ.જી હોસ્પિટલ, વડોદરા અને સર તખતસિંહજી હોસ્પિટલ, ભાવનગરનો સમાવેશ થાય છે.
મંત્રીએ ઉમેર્યું કે છ વર્ષનો બાળક જો બોલતો કે સાંભળતું ન હોય તો તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવું જોઈએ જ્યાં ચોક્કસ સારવાર થકી બાળકની સાંભળવાની અને બોલવાની શક્તિ ખીલશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મોંઘી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો છે. જેમાં સર્જરી અને ઈમ્પ્લાન્ટ નો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતો હોય છે. ઓપરેશન બાદ સ્પીચ પ્રોસેસર બદલવા માટે, રાજ્ય સરકાર વાર્ષિક ₹4 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને કુલ ખર્ચના 90% રકમ ચૂકવે છે, જ્યારે વાલીઓએ માત્ર 10% રકમ જ ચૂકવવાની રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ