

ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બની રહ્યો હતો. આ પાવન અવસરે રાજ્યના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોતમઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બન્યા હતા. ભાવનગર જિલ્લાના તેમના પ્રવાસ દરમિયાન તેમણે પચ્છેગામ ખાતે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી ભક્તજનોને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.
મહોત્સવ દરમ્યાન પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા વ્યાસપીઠ પરથી શ્રીમદ્ ભાગવત કથામૃતનું ભાવભર્યું વર્ણન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીએ વ્યાસપીઠ સમક્ષ બેસીને કથામૃતનું રસપાન કર્યું અને આ આધ્યાત્મિક પ્રસંગે આત્મિક શાંતિ તથા ઉર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા ધાર્મિક મહોત્સવો સમાજમાં સકારાત્મકતા, સંસ્કાર અને એકતાની ભાવના મજબૂત બનાવે છે.
આ પ્રસંગે મહોત્સવના આયોજકો દ્વારા રાજ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મિય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ અને આનંદનો માહોલ છવાયો હતો. ગામજનો તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથામૃતનો લાભ લીધો હતો.
મહોત્સવમાં મેયર ભરત બારડ, પૂર્વ મંત્રીપ્રદિપસિંહ જાડેજા, સંતો-મહંતો તેમજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવને સફળ બનાવવા આયોજક મંડળે વિશેષ આયોજન કર્યું હતું.આ રીતે પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાનું પ્રતિક બની ભક્તજનો માટે યાદગાર બની રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT