
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના 58મા પદવીદાન સમારોહમાં વ્યારાના 60 વર્ષીય પ્રોફેસર વસંતભાઈ ગામીતે પી.એચ.ડી. ડિગ્રી મેળવી પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ‘ગામીત જાતિનું લોકસાહિત્ય – સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને લોકબોલીના સંદર્ભે’ વિષય પર સંશોધન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
વસંતભાઈ ગામીત છેલ્લા 35 વર્ષથી વ્યારા કોલેજમાં ગુજરાતી પ્રોફેસર તેમજ વાઈસ પ્રિન્સીપાલ તરીકે સેવા આપી રહ્યા છે. સાથે જ તેઓ VNSGUના ગુજરાતી બોર્ડના ચેરમેન તરીકે પણ કાર્યરત છે. કોરોના મહામારી દરમિયાન તેમને સંશોધન કરવાનો વિચાર આવ્યો હતો, જેને તેમણે સતત પ્રયત્નોથી સાકાર કર્યો.
તેમણે જણાવ્યું કે, “શિક્ષક પહેલા વિદ્યાર્થી હોય છે અને ત્યારબાદ શિક્ષક બને છે.” પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું દસ્તાવેજીકરણ કરવું આવનારી પેઢી માટે એક અમૂલ્ય ભેટ સમાન છે. વસંતભાઈની આ સિદ્ધિ શિક્ષણ જગતમાં પ્રેરણારૂપ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે