લિંબાયત ઝોન લાંચ પ્રકરણમાં અંતે ગણેશવાલા એસીબી સમક્ષ હાજર
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.)-એક સપ્તાહ પૂર્વે શહેરનાં લિંબાયત ઝોનમાં ફરજ બજાવતાં કાર્યપાલક ઈજનેર અને તેમના વચેટિયા વિરૂદ્ધ એસીબી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ચાર લાખ રૂપિયાની લાંચ લઈને ફરિયાદીની સ્કુટી પર ન
વિપુલ ગણેશવાલા


સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.)-એક સપ્તાહ પૂર્વે શહેરનાં લિંબાયત ઝોનમાં ફરજ બજાવતાં કાર્યપાલક ઈજનેર અને તેમના વચેટિયા વિરૂદ્ધ એસીબી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ચાર લાખ રૂપિયાની લાંચ લઈને ફરિયાદીની સ્કુટી પર નાસી છૂટેલ આરોપી પરવાનાની હજી સુધી કોઈ ભાળ મળી નથી ત્યારે બીજી તરફ આજે સવારે સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા એસીબી સમક્ષ હાજર થતાં મહાનગર પાલિકાના વર્તુળોમાં વધુ એક વખત ચર્ચાનો દૌર શરૂ થવા પામ્યો હતો. આજે સવારે અચાનક કાર્યપાલક ઈજનેર ગણેશવાલા એસીબીની ઓફિસે હાજર થતાં પોલીસ દ્વારા તેમના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

લિંબાયતમાં આવેલ સંતોષ સબ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ પર થતાં બાંધકામને અટકાવવા ગત 10 નવેમ્બર 2025ના લિંબાયત ઝોનનાં અધિકારીએ નોટિસ આપી હતી. ત્યારબાદ 13 ફેબ્રુઆરીના રોજ સ્થળ પર નોટિસ લગાવી બાંધકામ તોડવાનું શરૂ કરી ડિમોલેશન ચાર્જ પેટે 1.70 લાખ વસૂલ્યા હતા. દરમિયાનમાં સુરત મ્યુનિ. કૉપોરેશનના કાર્યપાલક ઈજનેર વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલાના આદેશથી અચાનક ડિમોલેશનની કામગીરી અટકાવી દેવાઈ હતી. ડિમોલેશનની કામગીરી અટક્યા બાદ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામના દૈનિકના પત્રકાર ઉસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાનાએ પ્લોટ માલિક સાથે ગોઠવણની વાતચીત શરૂ કરી હતી. મનપાના કાર્યપાલક ઈજનેર વિપુલે બાંધકામ બચાવવા પેટે 21 લાખની લાંચ માગતા રકઝકના અંતે 15 લાખની રકમ નક્કી થઈ. જે પૈકી 4 લાખ રૂપિયાની લાંચ 19 ફેબ્રુઆરીના રોજ અને બાકીના 11 લાખ રૂપિયા આગામી સોમવારે આપવાની વાત નક્કી થઈ હતી. ગત ગુરૂવારે રાતે પત્રકાર ઈસ્માઈલનો ફોન આવતા ફરિયાદી તેની સલાબતપુરા વિસ્તારમાં આવેલી દૈનિક અખબારની ઑફિસે ગયા હતા. આ સમયે ઈસ્માઈલ પઠાણે 4 લાખની લાંચ સ્વીકારી તે દરમિયાન તેને ગંધ આવી જતા તે રૂપિયા લઈને ટુ વ્હીલર પર ફરાર થઈ ગયો હતો. આરોપી લાંચની રકમ સાથે ફરાર થઈ જતાં એસીબીના પીઆઈ કે.જે.ધડુકે ઉચ્ચ અધિકારીઓને માહિતીથી વાકેફ કરતા એસીબી અન્ય ટીમોએ બંને આરોપીઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

જો કે, બીજી તરફ ધરપકડથી બચવા માટે પરવાના સહિત કાર્યપાલક ઈજનેર ગણેશવાલા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ દરમિયાન એસીબી પોલીસ દ્વારા બંને આરોપીઓનાં ઘરે પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અલબત્ત, આજે સવારે અચાનક સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા એસીબીની ઓફિસમાં હાજર થઈ ગયા હતા. છેલ્લા એક સપ્તાહથી ભૂગર્ભમાં રહેલા ગણેશવાલા અચાનક એસીબી સમક્ષ હાજર થતાં પોલીસ દ્વારા હવે રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande