
ભાવનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર જિલ્લામાં દારૂબંધી કાયદાના કડક અમલ હેઠળ સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર ખાતે પેરોલ ફર્લો સ્કોડ દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે ભાવનગર અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી તપાસ હાથ ધરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સ્કોડની ટીમને ખાનગી વાહન મારફતે દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે હાઈવે પર સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન શંકાસ્પદ વાહન રોકી તેની તલાશી લેતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની 113 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા 3,43,720 હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત કાર સહિત અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 6,48,720 નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દારૂ સાથે સંકળાયેલા બે ઇસમોને ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ મામલે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.રાજ્યમાં દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પેરોલ ફર્લો સ્કોડની આ કામગીરીને કારણે દારૂના ગેરકાયદેસર વેપાર પર મોટો પ્રહાર થયો છે.પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કામગીરી આગળ પણ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT