ટેકનોલોજીથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીનો અનોખો આત્મવિશ્વાસ: રાઈટર વગર લેપટોપ પર બોર્ડ પરીક્ષા આપી
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ડિજિટલ યુગમાં ટેકનોલોજી શિક્ષણને નવી દિશા આપી રહી છે, તેનું જીવંત ઉદાહરણ અંધજન શિક્ષણ મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિની રુકસાર ઈકબાલ પીંજરીએ પૂરું પાડ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની આ વિદ્ય
રાઈટર વગર લેપટોપ પર બોર્ડ પરીક્ષા આપી


સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ડિજિટલ યુગમાં ટેકનોલોજી શિક્ષણને નવી દિશા આપી રહી છે, તેનું જીવંત ઉદાહરણ અંધજન શિક્ષણ મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિની રુકસાર ઈકબાલ પીંજરીએ પૂરું પાડ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની આ વિદ્યાર્થિનીએ કોઈપણ રાઈટર (લખનાર)ની મદદ લીધા વગર, સ્વબળે લેપટોપ પર ટાઈપ કરીને બોર્ડની પરીક્ષા આપી હતી.

સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રાઈટરની મદદ લેતા હોય છે, પરંતુ રુકસારે પરંપરાગત પદ્ધતિને બદલે ટેકનોલોજીનો સહારો લઈ પોતાની ક્ષમતા સાબિત કરી છે. દ્રઢ મનોબળ અને આધુનિક સાધનોના યોગ્ય ઉપયોગથી તે અન્ય વિદ્યાર્થીઓની જેમ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રહી છે. સમગ્ર ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે કોઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી દ્વારા આ રીતે પરીક્ષા આપવાનો અનોખો દાખલો સામે આવ્યો છે.

રુકસારને આ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ મંજૂરી આપવામાં આવી હતી. બોર્ડના નિયામક શ્રીમતી તરૂલતાબેનના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને જરૂરી સવલતો આપવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, ઝોનલ અધિકારી પ્રજ્ઞેશભાઈ અને નિહારિકાબેનના સતત માર્ગદર્શન અને સહયોગથી પરીક્ષા વ્યવસ્થા સુગમ બની હતી. શાળા પરિવાર અને શિક્ષણ વિભાગે રુકસારની હિંમત અને સિદ્ધિને બિરદાવતા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande