
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : આજના આધુનિક યુગમાં બદલાતી જતી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોને કારણે મેદસ્વિતા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બનીને ઉભરી રહી છે. મેદસ્વિતા માત્ર શરીરનો દેખાવ નથી બગાડતી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓનું મૂળ પણ છે. ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નાગરિકોને જાગૃત કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વસ્થ અને સ્ફૂર્તિલા જીવન તરફ પ્રેરિત કરવાનો છે.
- સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે મેદસ્વિતા ઘટાડવી અત્યંત આવશ્યક છે અને તે માટે કેટલીક પાયાની આદતોમાં ફેરફાર કરવો જરૂરી છે.
- સૌ પ્રથમ, મેદસ્વિતા ઘટાડવા માટે નિયમિત કસરત કે યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ.
- આહારમાં પણ વિશેષ ધ્યાન આપીને, ખાસ કરીને ભોજનમાં તેલનો વપરાશ 10% જેટલો ઘટાડવો હિતાવહ છે.
- બહારના જંકફૂડનો ત્યાગ કરી પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ.
- શારીરિક રીતે સક્રિય રહેવા માટે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ.
- શરીરના માનસિક તેમજ શારીરિક આરામ માટે પૂરતી ઊંઘ લેવી એ સ્વસ્થ જીવનશૈલીનો અનિવાર્ય ભાગ છે.
આ પંચશક્તિ સૂત્રોને અપનાવીને આપણે સૌ મેદસ્વિતા-મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરી શકીએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya