

પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુરની સરસ્વતી શિશુ મંદિરમાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને હોળીના પર્વનું ધાર્મિક તેમજ સામાજિક મહત્વ સમજાવ્યું હતું. આચાર્યના માર્ગદર્શન હેઠળ બાલ વાટિકાના ભૂલકાંઓએ શિક્ષકો સાથે મળીને રંગોત્સવની ઉજવણી કરી હતી. ત્યારબાદ શાળાના મેદાનમાં રંગોત્સવ શરૂ થયો હતો. પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા શાળાએ બાળકોને અબીલ અને ગુલાલ જેવા ઓર્ગેનિક રંગો પૂરા પાડ્યા હતા. બાળકો પણ ઘરેથી વિવિધ રંગો લાવ્યા હતા અને એકબીજાને ગુલાલ લગાવી નાચ-ગાન સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.
ઉજવણી દરમિયાન શિક્ષકો પણ બાળકો સાથે જોડાયા હતા અને સૌએ એકબીજાને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પરિવાર દ્વારા ધાણી અને ખજૂરની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ અને ઉલ્લાસમય વાતાવરણમાં યોજાયેલ આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભાઈચારો અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ