
- તરુણ દુગ્ગલને સી.આઈ.ડી. ક્રાઈમ અને માંડલિકને સુધારણા વિભાગની જવાબદારી
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : સતત 6 મહિનાથી વેઈટિંગ ફોર પોસ્ટિંગણી નિમણૂકની રાહ જોઈ રહેલા આઈપીએસ અધિકારીઓને અંતે જવાબદારી સોંપાતા ગુજરાત પોલીસ તંત્રમાં ચહલપહલ જોવા મળી રહી છે. પોલીસ મહાનિદેશક કચેરી દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ 6 વરિષ્ઠ અધિકારીઓને તેમના નવા કાર્યભાર માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ મહાનિદેશકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, નિમણૂકની રાહ જોઈ રહેલા 6 આઈપીએસ અધિકારીને તાત્કાલિક અસરથી વિવિધ વિભાગોમાં 'એટેચતરીકે ફરજ બજાવવા આદેશ કરવામાં આવ્યો છે.
આઈપીએસ તરૂણ દુગ્ગલ, ચૈતન્ય માંડલિક, સરોજ કુમારી,આર.વી.ચુડાસમા,આર.પી. બારોટ, જી.એ.પંડ્યા,રાજન સુસરા,સુધા પાંડે તથા સુજાતા મજમુદાર 6 મહિનાથી વેઈટિંગ ઈન પોસ્ટિંગમાં રખાયા હતાં. ત્યારે આખરે 6ને પોસ્ટિંગ અપાયું છે.
માહિતી મુજબ, કેટલીક જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાને કારણે વહીવટી કામકાજ પર અસર પડી રહી હતી. હવે આ નિમણૂકો થતા વિભાગીય કામગીરીને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિમણૂક માટે રાહ જોઈ રહેલા અધિકારીઓમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમને હવે પોલીસ મહાનિદેશક કચેરી તથા વિવિધ શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે બીજી બાજુ રાજ્યના પોલીસ વિભાગમાં અત્યાર સુધી 10 DIG અને એક 1 SP ઓગષ્ટ મહિનાથી વેઈટિંગ ફોર પોસ્ટિંગની રાહમાં છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે અને તે છે રાજ્યના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી શમશેરસિંઘનું. ગત જાન્યુઆરીની શરૂઆતમાં ડેપ્યુટેશન પરથી તાબડતોબ પેરેન્ટ કેડર એટલે કે, ગુજરાત પરત બોલાવાયેલા શમશેરસિંઘ છેલ્લા 50 દિવસથી ઘરે બેઠા છે. હવે તેમને નિવૃત થવાને આડે માત્ર 34 દિવસ જ બાકી રહ્યાં છે. ત્યારે અધિકારીઓના પોસ્ટિંગને લઈને ફરી એકવાર ચર્ચાનો દૌર શરૂ થયો છે.
આઈપીએસ લોબીમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, 1991 બેચના સિનિયર આઈપીએસ શમશેરસિંઘનું એસીબીમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યાંથી પરત ગુજરાત આવવું એ ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો. કારણ, શમશેરસિંઘ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા ત્યારે તે વિકાસ સહાય બાદ રાજ્યના મોસ્ટ સિનિયર IPS હતા, તેમના જવાથી રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તે ચર્ચાઓ રહી હતી. હવે જ્યારે શમશેરસિંઘ પરત આવ્યાં છે ત્યારે તેમને સત્તાવાર રીતે 7 જાન્યુઆરીથી વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ