
ભાવનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ધૂળેટીના પાવન તહેવાર નિમિત્તે યાર્ડની તમામ કામગીરી એક દિવસ માટે બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે 4 માર્ચ 2026, બુધવારના રોજ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી હોવાથી કૃષિ ઉપજ સંબંધિત તમામ વ્યવહારો સંપૂર્ણપણે સ્થગિત રહેશે.મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ આ દિવસે જિંસોની હરાજી, લોડિંગ-અનલોડિંગ, તોલ કામગીરી તેમજ અન્ય પ્રશાસનિક કામકાજ બંધ રહેશે. વેપારીઓ, આડતિયાઓ, ખેડૂત ભાઈઓ અને મજૂર વર્ગને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ યાર્ડમાં માલ લાવવાનો અથવા હરાજી માટે રજૂ કરવાનો કાર્યક્રમ 4 માર્ચના રોજ રાખે નહીં.ધૂળેટીનો તહેવાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઉત્સાહપૂર્વક ઉજવાતો હોઈ, શ્રમિકો અને વેપારીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક મળે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યાર્ડ સંચાલન દ્વારા જણાવાયું છે.
ખાસ કરીને દૂરદરાજથી આવનારા ખેડૂતોને અનાવશ્યક અવરજવર ટાળવા પૂર્વ જાણ કરવામાં આવી છે. ગુરુવારથી યથાવત શરૂ થશે. તેથી તમામ ખેડૂત ભાઈઓને અનુરોધ છે કે તેઓ પોતાની કૃષિ ઉપજ લાવવાની યોજના તે મુજબ ગોઠવે.મહુવા માર્કેટિંગ યાર્ડના આ નિર્ણયને વેપારી વર્ગ અને ખેડૂત સમાજ દ્વારા સ્વાગત મળ્યું છે, કારણ કે તહેવાર દરમિયાન વ્યવસ્થિત આયોજન અને આરામ માટે એક દિવસની રજા ઉપયોગી સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT