

મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ખેડૂત તાલીમ કેન્દ્ર મહેસાણા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ મહેસાણા દ્વારા આયોજિત કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તથા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
પરિસંવાદ દરમિયાન પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, જૈવિક ખાતરોનો ઉપયોગ, જીવામૃત, ઘનજીવામૃત તેમજ રાસાયણિક મુક્ત ખેતીના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ જમીનની ઉર્વરતા જાળવવા અને ખર્ચમાં ઘટાડો કરીને ઉત્પાદન વધારવાની રીતો અંગે માહિતી આપી હતી. પ્રદર્શન વિભાગમાં પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા વિવિધ ઉત્પાદનો અને કૃષિ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે કૌશલ્ય વિકાસનો માર્ગ દર્શાવવાનો હતો. ઉપસ્થિત ખેડૂતોને આ તાલીમથી ઉપયોગી માહિતી મળી હોવાનું જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR