
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પેરોલ/ફર્લો સ્ક્વોડ, મહેસાણા દ્વારા ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરતમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.આ કામગીરીમાં ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી આરોપી સુધી પહોંચવામાં આવ્યું હતું.
પોલીસ તપાસ અનુસાર આરોપી વિરુદ્ધ અપહરણ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને લાંબા સમયથી તે પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ સ્થળોએ રહેતો હતો. ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરત શહેરમાં દરોડા પાડી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાની ઓળખ બદલાવીને રહેતો હોવાની વિગતો સામે આવી છે.
આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ઊંઝા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડથી જૂના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. સમગ્ર કામગીરીમાં પેરોલ/ફર્લો સ્ક્વોડની સતર્કતા અને સુચિત આયોજન મહત્વપૂર્ણ સાબિત થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR