
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી. ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને જતી વખતે પાછળથી આવતાં ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પાછળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનામાં બસમાં સવાર ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મુજબ સ્કૂલ બસ (GJ02W0941) વિદ્યાર્થીઓને લેવા જઈ રહી હતી ત્યારે ડમ્પર (GJ02AT2968) પાછળથી ધડાકાભેર અથડાયું હતું. ટક્કર બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
બસ ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસ ધીમી ગતિએ ચાલી રહી હતી ત્યારે ડમ્પર ઓવરસ્પીડમાં આવી પાછળથી અથડાયું હતું. મહેસાણા એ-ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR