

મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી ગામની નયના અશ્વિનભાઈ શ્રીમાળી આજે ગ્રામ્ય મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. “જય શ્રી સધી માં સખી મંડળ” સાથે છેલ્લા 5 થી 7 વર્ષથી જોડાયેલી નયનાબેને નાની બચતથી સ્વરોજગારની મોટી સફર શરૂ કરી છે.
શરૂઆતમાં માત્ર બચત માટે જોડાયેલી નયનાબેને મંડળની આશરે 15 થી 20 બહેનો સાથે મળીને ગૃહઉદ્યોગ શરૂ કર્યો. ઘરઆંગણે સાબુ બનાવવાનું કામ શરૂ કરીને ત્યારબાદ ગુલાબજળ, પર્સ અને કોસ્મેટિક ઉત્પાદનોનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. જિલ્લા સ્તરની તાલીમથી ગુણવત્તા, પેકેજિંગ અને માર્કેટિંગ અંગે માર્ગદર્શન મળતા ઉત્પાદનો બજારમાં સ્પર્ધાત્મક બન્યા.
નગરપાલિકા દ્વારા આયોજિત 7 દિવસીય મેળામાં ભાગ લેતાં પ્રથમ દિવસે અંદાજે રૂ. 5,000 અને બીજા દિવસે રાત્રે 10:30 વાગ્યા સુધીમાં રૂ. 9,000નું વેચાણ નોંધાયું હતું. આ સફળતાએ સમગ્ર જૂથમાં આત્મવિશ્વાસ વધારો કર્યો.
આવકથી ઘરખર્ચ અને બાળકોના શિક્ષણમાં સહાય મળી રહી છે. નયનાબેન હવે પેકેજિંગ અને બ્રાન્ડિંગમાં સુધારો કરી પાટણ સહિત અન્ય શહેરોમાં વેચાણ વિસ્તૃત કરવાનો સંકલ્પ ધરાવે છે. તેમની સફર ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR