
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેર વિસ્તારમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ કોમર્શિયલ વિસ્તારો અને બજાર વિસ્તારમાં ચકાસણી અભિયાન ચલાવી પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્રતિબંધિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વેપારીઓને રાજ્ય સરકારના નિયમો મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. નિયમનો ભંગ કરનાર દુકાનદારો પાસેથી મહાનગરપાલિકાના નિયમ મુજબ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સેનિટેશન ટીમે સ્પષ્ટ કર્યું હતું કે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રહેશે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્લાસ્ટિકના બદલે કપડા કે કાગળની થેલીનો ઉપયોગ કરી પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બને. શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા તંત્ર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR