
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) કડી શહેરમાં આગની ઘટનાઓને ઝડપથી કાબૂમાં લેવા અને નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનાવવા કડી નગરપાલિકાના ફાયર વિભાગમાં બે નવા આધુનિક ફાયર ટેન્ડરનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા આ ફાયર ટેન્ડરની ફાળવણી કરવામાં આવી છે, જે શહેર તથા આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ઉનાળાની ઋતુ દરમિયાન આગ લાગવાના બનાવોમાં વધારો થતો હોય છે, ત્યારે આ નવા સાધનો ફાયર બ્રિગેડની કામગીરીને વધુ સક્ષમ બનાવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ફાયર ટેન્ડરમાં ઝડપી પાણી છાંટણી પ્રણાલી, પૂરતી ક્ષમતાવાળો પાણી ટાંકો અને તાત્કાલિક રાહત માટે જરૂરી સાધનો ઉપલબ્ધ છે.
નગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ શહેરની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી હતી, જેના અનુસંધાને GUDC દ્વારા ફાળવણી કરવામાં આવી છે. નવા ફાયર ટેન્ડર શરૂ થતા આગની ઘટનામાં પ્રતિસાદ સમય ઘટશે અને જાનમાલના નુકસાનને ઓછું કરવામાં મદદ મળશે. શહેરવાસીઓમાં આ નિર્ણયને લઈ આનંદની લાગણી વ્યાપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR