
પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણની શેઠ એમ. એન. સાયન્સ કોલેજ ખાતે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ના સહયોગથી “Indian Knowledge System Contribution to Science through Traditional Practices, Ancient Texts and Holistic Approaches” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સંશોધન વર્કશોપ યોજાયો હતો. મ્યુઝિયમ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી કુલ 523 પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરિયા મુખ્ય અતિથિ અને સીડીઓ-એનજીઈએસ ડો. જય ધ્રુવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. પીયુષ વ્યાસે સ્વાગત પ્રવચન આપ્યું, જ્યારે કન્વીનર ડો. એન. કે. પટેલે વર્કશોપના ઉદ્દેશ્યો રજૂ કર્યા. પ્રસંગે ‘એબસ્ટ્રેક્ટ બુક’ અને ડો. ડી.એ. પાટીલ લખિત ‘બોટની ઇન એનસીએન્ટ’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું.
વર્કશોપ દરમિયાન પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના સમન્વય પર વિસ્તૃત ચર્ચા થઈ. કુલપતિએ પોતાના ઉદ્દબોધનમાં ભારતીય પરંપરાગત જ્ઞાનને વિશ્વનું સૌથી પ્રાચીન જ્ઞાન ગણાવી 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રાચીન જ્ઞાનને વૈજ્ઞાનિક રીતે અપનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી.
કુલ 523 પ્રતિનિધિઓમાં 324 સ્નાતક, 76 અનુસ્નાતક, 45 સંશોધન વિદ્વાન અને 78 ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થતો હતો. તેમાંમાંથી 152 પ્રતિનિધિઓએ પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા પોતાના સંશોધન રજૂ કર્યા. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ પ્રતિનિધિઓ જોડાયા હતા.
બે દિવસીય કાર્યક્રમમાં ડો. ડી.એ. પાટીલ, ડો. એ.કે. શાહ, ડો. સ્મૃતિ સિંહ અને ડો. રમેશ્વર આમેટા સહિતના નિષ્ણાતોએ વ્યાખ્યાનો આપ્યા. એનજીઈએસ મેનેજમેન્ટના હોદ્દેદારો અને રાજ્ય મંત્રી તરફથી શુભેચ્છા સંદેશ પાઠવાયા. અંતે વેલેડિક્ટરી સમારંભમાં પ્રમાણપત્ર વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ