
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને મહેસાણા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં એરંડાના પાકમાં “કાતરા” નામની ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એરંડો રોકડીયો પાક ગણાતો હોવાથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ કાતરા ઈયળના કારણે પાન અને માળને નુકસાન થવાથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પ્રતિ વિઘા 30 થી 50 મણ સુધી ઉત્પાદન મળતું હોય છે, પરંતુ જીવાતના ઉપદ્રવને કારણે 7 થી 8 મણ જેટલો ઘટાડો થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો 50 મણનું ઉત્પાદન ઘટીને 30 મણ સુધી પહોંચી ગયું છે. બજારમાં હાલ એરંડાના ભાવ રૂ. 1150 થી 1200 પ્રતિ મણ ચાલી રહ્યા હોવાથી આ ઘટાડો ખેડૂતો માટે આર્થિક રીતે ભારે સાબિત થઈ રહ્યો છે.
આ ઈયળ માત્ર એરંડા જ નહીં, પરંતુ પશુઓ માટે વવાતા રજકો અને લીલા ચારા પાકને પણ નુકસાન પહોંચાડી રહી છે, જેના કારણે પશુપાલકોને બહારથી ચારો મંગાવવાની ફરજ પડી રહી છે. કૃષિ નિષ્ણાતોએ સમયસર દવા છંટકાવ અને સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિ અપનાવવાની સલાહ આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR