

પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક કચેરી ખાલી કરાવવામાં આવી હતી. સુરત પાસપોર્ટ ઓફિસને મળેલા ધમકીભર્યા ઈમેલના પગલે રીજનલ કચેરી દ્વારા સુરક્ષા સૂચના આપવામાં આવતા આ પગલું લેવાયું હતું.
પાટણ માટે કોઈ સીધો ઈમેલ આવ્યો ન હતો, પરંતુ ધમકીભર્યા ઈમેલમાં અન્ય કચેરીઓનો ઉલ્લેખ હોવાની આશંકાને કારણે વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે તમામ સ્ટાફ અને નાગરિકોને બિલ્ડિંગની બહાર ખસેડ્યા હતા. હાલ પૂરતું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ પોસ્ટ ઓફિસના અધિકારીઓએ સ્થાનિક પોલીસને માહિતી આપી હતી. પોલીસ કાફલો સ્થળ પર પહોંચી સુરક્ષા ઘેરો ગોઠવ્યો હતો તેમજ પાલિકાની ફાયર બ્રિગેડને પણ તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી.
ASP હેડક્વાર્ટર બાલા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે સવારે 11:30 વાગ્યે રીજનલ ઓફિસથી ફોન દ્વારા POPSK કચેરીને બોમ્બ ધમકી મળ્યાની જાણ કરવામાં આવી હતી. ઉપરથી મળેલા આદેશ મુજબ તરત જ કચેરી ખાલી કરાવી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હાલ બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરાશે. પોલીસ દ્વારા ધમકીભર્યા ઈમેલના સ્ત્રોત અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ ક્લિયરન્સ મળ્યા બાદ કચેરીનું નિયમિત કામકાજ ફરી શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ