
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ‘શ્રી દૂધલી ની દેશ યુવક મંડળ’ દ્વારા ‘શ્રી દૂધલી ની દેશ આંટા કડવા પાટીદાર સમાજ’ના વડીલો અને સિનિયર સિટીઝનો માટે ભવ્ય ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાના મુખ્ય દાતા તરીકે પટેલ સીતાબેન ભોગીલાલ મોહનલાલ (નુંગરા પરિવાર) દ્વારા ઉદાર આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.
આ પાવન યાત્રામાં સમાજના આશરે 200 જેટલા સિનિયર સિટીઝનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન વડીલોએ ઉત્તર ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામોનું દર્શન કર્યું હતું. જેમાં બોર્ડર દર્શન સાથે નડાબેટ સ્થિત શ્રી નડેશ્વરી માતાજી, વરાણા ખાતે બિરાજમાન શ્રી ખોડિયાર માતાજી તેમજ પવિત્ર યાત્રાધામ ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વડીલોને આધ્યાત્મિક શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય તે હેતુથી યુવક મંડળ અને દાતા પરિવાર દ્વારા આ પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રવાસ દરમિયાન ભોજન અને મુસાફરીની આરામદાયક વ્યવસ્થા સુચારૂ રીતે ગોઠવાઈ હતી. યાત્રાનો લાભ મેળવનાર વડીલોએ આયોજકો અને દાતા પરિવારનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR