
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ (ગુજરાત શહેરી આજીવિકા મિશન) અને કડોદરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કડોદરા ચાર રસ્તા પાસે આવેલ અકળામુખી મંદિર ગ્રાઉન્ડ ખાતે તા. 2 માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના હેતુ સાથે આયોજિત આ મેળાનો પ્રારંભ કડોદરા નગરપાલિકાના પ્રમુખ નારાયણીબેન શર્મા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
પ્રમુખ નારાયણીબેન શર્માએ જણાવ્યું હતું કે આવા મેળાઓ દ્વારા સ્થાનિક કારીગરોની છુપાયેલી પ્રતિભાને યોગ્ય મંચ મળે છે અને નાના ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધે છે. તેમણે કડોદરા અને આસપાસના નાગરિકોને 2 માર્ચ સુધી યોજાનારા આ મેળાની મુલાકાત લેવા અપીલ કરી હતી. આ મેળાની વિશેષતા તરીકે કડોદરા સહિત પલસાણા, કામરેજ, ઓલપાડ અને બારડોલી તાલુકાની સખી મંડળની બહેનો અને કારીગરો દ્વારા બનાવવામાં આવેલી ગુણવત્તાસભર વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
મેળામાં હાથથી બનાવેલા ગૃહ સુશોભન સામાન, હસ્તકલાના નમૂનાઓ, પરંપરાગત વસ્ત્રો તેમજ શુદ્ધ મસાલા, અથાણાં અને પાપડ જેવી ખાણી-પીણીની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ગ્રામ્ય અને શહેરી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચતા હોવાથી વચેટિયાઓ દૂર થાય છે અને કારીગરોને યોગ્ય વળતર મળે છે. આ રીતે સ્વદેશી મેળો સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપતો અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવતો એક સકારાત્મક પ્રયાસ સાબિત થઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે