
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.)-હજીરા સ્થિત AM/NS કંપનીમાં ગુરુવારે થયેલી હિંસક ઘટનાના પગલે શુક્રવારે વહેલી સવારથી સમગ્ર હજીરા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરાયેલા પથ્થરમારો અને તોડફોડ બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ગુરુવારની ઘટનાના પડઘા શુક્રવારે સવારે પણ જોવા મળ્યા હતા. પોલીસ સૂત્રો મુજબ આશરે 50થી વધુ L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરી એકઠા થયા હતા. જોકે, સ્થળ પર પહેલેથી જ તહેનાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામને હટાવી દીધા અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો.
હાલ સાયબર સેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વ્હોટ્સએપ ગ્રુપ્સ પર કડક નજર રાખવામાં આવી રહી છે.આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 40થી વધુ ઓળખાયેલા તત્વો સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અન્ય અજ્ઞાત લોકોની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસનું સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ સક્રિય છે અને ભડકાઉ પોસ્ટ કે અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર હજીરા પટ્ટી પર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે