
બોટાદ, 27 ફેબ્રુઆરી (હિ.સ.)બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘મિશન લાઇફ’ વેચાણ અને પ્રદર્શન મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.મેળાનું આયોજન આગામી તારીખ 1 માર્ચ સુધી રાખવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મેળામાં પર્યાવરણ મૈત્રી ઉત્પાદનો, ટકાઉ જીવનશૈલી અને ‘મિશન લાઇફ’ના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. પ્લાસ્ટિક મુક્ત જીવન, ઊર્જા બચત, પાણી સંરક્ષણ અને કચરો વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વસહાય જૂથો, કારીગરો અને ઉદ્યોગકારો દ્વારા બનાવાયેલા હસ્તકલા અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોનું પણ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ઉદ્ઘાટન પ્રસંગે નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે ‘મિશન લાઇફ’ માત્ર અભિયાન નથી, પરંતુ દરેક નાગરિકની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે. પર્યાવરણની રક્ષા માટે નાનાં-નાનાં પ્રયત્નો પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મેળાની મુલાકાત લઇ પર્યાવરણપ્રેમી જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.આ મેળો ધાર્મિક અને સામાજિક સ્થળે યોજાતા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકો તેનો લાભ લઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન સાથે પાર્કિંગ, સુરક્ષા અને માર્ગદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પહેલ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT