
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ઊંઝા શહેરમાં ખેડૂતોની માલિકીની જમીનમાંથી પસાર થનારી 66 KV નવીન વીજ લાઇનના પ્રોજેક્ટ મુદ્દે વિવાદ ઊભો થયો છે. ઊંઝા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આ પ્રોજેક્ટના રૂટમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભૂગોળિક પરિસ્થિતિ અને સ્થળ પર સર્વે કર્યા વિના જ લાઇન નકશામાં નક્કી કરવામાં આવી છે.
આવેદનપત્ર અનુસાર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા ઊંઝા-કડી 66 KV લાઇનનું કામ હાથ ધરવાનું છે. હાલનો લેઆઉટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 10-11માંથી પસાર થાય છે, જેના કારણે ભવિષ્યના વિકાસ કાર્યો અને રહેણાંક વિસ્તારો પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતોએ સૂચન કર્યું છે કે વીજ લાઇનનો રૂટ 60 મીટર રિંગ રોડ પર ખસેડવામાં આવે અથવા આધુનિક ટેકનોલોજી દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ પદ્ધતિ અપનાવવામાં આવે જેથી જમીન સંપાદનનો પ્રશ્ન ન ઉભો થાય. ખેડૂતોે ચીમકી ઉચ્ચારી છે કે યોગ્ય ઉકેલ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR