

મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ઊંઝા શહેરની ભરતનગર સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, ગીત, નાટિકાઓ અને વિવિધ પ્રતિભા પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કુશળતા રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા ઝળહળી ઉઠી હતી.
કાર્યક્રમ દરમિયાન સ્કૂલના શિક્ષકમંડળ દ્વારા સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચતર અભ્યાસ માટે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને જીવનમાં મહેનત, સંકલ્પ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પણ સ્કૂલ સાથે જોડાયેલી યાદોને સંભળાવી ભાવુક વાતાવરણ સર્જ્યું હતું.
આ અવસરે સ્કૂલના સંકુલને વધુ સુવિધાસભર બનાવવા માટે નવા રૂમ તથા નવા શેડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. સંચાલકમંડળે જણાવ્યું હતું કે નવી સુવિધાઓથી વિદ્યાર્થીઓને વધુ સગવડ અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ગૌરવના માહોલમાં પૂર્ણ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR