



- સિઝન વાઇસ ડાંગર, મકાઈ, કાકડી, મગ અને વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી કરતા તુલસી
વસાવા
- રસ્તાની બાજુમાંજ શાકભાજીના વેચાણથી સમય અને ખર્ચમાં બચત: સ્થાનિકો અને મુસાફરોને ઘર-આંગણે શાકભાજીની ઉપલબ્ધિ
- ત્રણ ગ્રામ પંચાયતદીઠ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતા ખેડૂતમીત્ર તુલસી વસાવા
રાજપીપલા,27 ફેબ્રુઆરી (હિ.સ.) દેડિયાપાડા તાલુકાના રેલ્વા ગામના ખેડૂતમિત્ર તુલસી વસાવા છેલ્લા 6 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. “પોતાના પાસે ગાય હોય તો રાસાયણિક ખાતરની જરૂર ક્યાં છે” આ વિચારને જીવનમાં ઉતારી તેમણે ખેતી ક્ષેત્રે એક સકારાત્મક પરિવર્તન લાવ્યા છે.
ખેડૂતમિત્ર તુલસી વસાવા આત્મા પ્રોજેકટ નર્મદા દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતીની તાલીમોમાં ભાગ લીધો. તાલીમ અને પ્રેરણા પ્રવાસોથી પ્રેરાઈને વર્ષ 2020 થી ગાય આધારિત પ્રાકૃતિક
ખેતી કરે છે.
તુલસી વસાવા પોતાની બે એકર જમીનમાં સીઝન વાઇસ ખેતી કરે છે. તેમણે ચોમાસા
દરમિયાન ડાંગર, મકાઈ, કાકડી અને વિવિધ શાકભાજીની ખેતી કરી હતી. હાલ તેઓ મકાઈ, મગ અને કાકડી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા તેઓ પોતાના પરિવારનું સફળતાપૂર્વક ભરણપોષણ કરી રહ્યા છે.
તુલસી વસાવાએ જણાવ્યું હતું કે, લોકોની માંગ મુજબની ખેતી કરું છે અને ખેતરની નજીકમાં
આવેલ ઉમરપાડા - સેલંબા મેઈન રસ્તાની બાજુમાંજ તાજી શાકભાજીનું વેચાણ કરું છું જ્યાં સ્કૂલના ટીચરો સહિત અવર જવર કરતા મુસાફરો સહિત આજુબાજુના ગામના લોકો ખરીદી કરે છે. જેનાથી મારો સમય પણ બચે છે અને ઘર-આંગણે જ વેચાણ થઈ જાય છે.
આત્મા પ્રોજેકટના તાલીમ દરમિયાન જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક અને
બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક ઇનપુટ્સ બનાવવાની તાલીમ મેળવી અને પોતાના ખેતરમાં સફળતાપૂર્વક અમલ કર્યો તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ફાર્મની રૂબરૂ મુલાકાત લઈને વધુ પ્રોત્સાહિત થયા અને પોતાના ખેતરમાં સુધારાઓ કર્યા છે.
તુલસી વસાવા CRP તરીકે ત્રણ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર આધારિત 10 જેટલા ગામના
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે. તુલસી વસાવાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે આવતા ખેડૂતોને સ્થળ પર જ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક અને બ્રહ્માસ્ત્ર બનાવી તેઓને પ્રોત્સાહિત કરે છે. સાથે-સાથે પાકમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવી બજારમાં સારા ભાવથી કેવી રીતે વેચાણ કરવું તેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ત્રણ દેશી ગાય આધારિત ખેતી દ્વારા આર્થિક, સામાજિક, શારીરિક અને પર્યાવરણની સુરક્ષા શક્ય બને છે તેવો સંદેશ તેઓ આપી રહ્યા છે.
વર્ષ 2020-21થી આત્મા પ્રોજેકટ તથા અન્ય શિબિરો અને કૃષિ મેળાઓમાં સક્રિય ભાગ લઈને
ગામ, તાલુકા અને જિલ્લામાં મિટીંગ યોજી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ