
- સોલા ઘોડાના તબેલામાંથી 211 જેટલી દારૂની અને બીયરની બોટલોનો જથ્થો કબજે
- ચાંદલોડિયાના એક ઘરમાંથી 95 મોંઘી વિદેશી દારૂની બોટલ મળી
અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદલોડિયામાં એલસીબી અને પીસીબીની ટીમના દરોડા પડ્યા.એક ઘરમાંથી 95 મોંઘી વિદેશી દારૂની બોટલ મળી.
અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન એલસીબી અને પીસીબીની ટીમે દરોડા પાડી મોંઘો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચાંદલોડિયામાં પીસીબીની ટીમ અને સોલામાં ઝોન એલસીબીની ટીમે વિદેશી દારૂનું કટીંગ અને જથ્થો ઝડપી પાડ્યો હતો. સોલા ગામમાં ઘોડાના તબેલામાં બે શખ્સ વિદેશી દારૂનું ગાડીમાં કટીંગ કરી રહ્યા હતા ત્યારે એલસીબીની ટીમે પહોંચી તેમને ઝડપી પાડ્યા હતા.
પીસીબીની ટીમે ચાંદલોડિયાના રાજીવનગરમાં ઘરમાં મોંઘી વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. એક જ દિવસમાં અલગ અલગ બે એજન્સીઓએ સોલા પોલીસની જાણ બહાર દરોડા પાડી દારૂ ઝડપી પાડ્યો છે.
પીસીબીની ટીમને બાતમી મળી હતી કે શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદલોડિયામાં રાજીવનગર ગલી નંબર 4 ખાતે ગુલાબસિંહ વાઘેલાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે અને તેને સગેવગે કરવામાં આવનાર છે. જેના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મકાન પર પહોંચતા તાળું માર્યું હતું જેથી મકાનને તાળું તોડી ખોલતા ઘરમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બિયર સહિત અલગ અલગ મોંઘી વિદેશી દારૂની બોટલો ઘરમાંથી મળી આવી હતી.
પોલીસે ગણતરી કરતા અલગ અલગ મોંઘી વિદેશી દારૂની બોટલ સહિત 95 જેટલી બોટલ રૂપિયા 1.62 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. મોંઘો વિદેશી દારૂનો જથ્થો ઘરમાં મૂકી રાખ્યો હતો.
સોલા અને આસપાસના વિસ્તારમાં દારૂની બોટલો ગ્રાહકોને આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ તમામ બોટલો કબજે કરી આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ ઝોન વન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સોલા ગામ ખાતે રબારીવાસમાં ચેહર નગરમાં એક ઘોડાનો તબેલો આવેલો છે જેમાં ગાડીમાં કેટલાક લોકો વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો, ત્યારે ગાડીમાં બે વ્યક્તિ મળી આવ્યા હતા. અશોક રાવળ અને ફેનીલ શર્મા નામના બે યુવક હાજર હતા ત્યારે ગાડીમાં તપાસ કરતા દારૂ અને બિયરની અલગ અલગ બોટલો મળી આવેલી હતી. કુલ 211 જેટલી દારૂની અને બીયરની બોટલોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ