


પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે કરવામાં આવતાં ઘાસચારા વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન મુજબ સેનિટેશન ઈન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીની સુચના હેઠળ બનાવવામાં આવેલી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શહેરના એચ.એમ.પી. કોલોની તથા ગાયત્રી મંદિર વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરરીતે વેચાણ માટે મૂકવામાં આવેલ અંદાજે 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોના ભંગ બદલ સંબંધિત વ્યક્તિ પાસેથી રૂ. 1200/- નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલ ઘાસચારો શહેરમાં સંચાલિત મહાનગરપાલિકાની ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, જેથી તેનો ઉપયોગ ગૌસેવામાં થઈ શકે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે કે, જાહેર રસ્તા, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારનું વેચાણ કે સામાન મૂકી અડચણ ઉભી કરવી નહીં. આવું કરનારાઓ સામે મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya